પુષ્ટિમાર્ગમાં ગૃહસેવા Pushtimarg Gruh Seva | How to do Gruh Seva | ઘર સેવા પુષ્ટિમાર્ગ પોતાના ઘરમાં સેવા એજ સાચો પુષ્ટિમાર્ગ

લેખક: સિસોદિયા ભાર્ગવસિંહ
Published on: 30 Dec 2025

૧. પ્રસ્તાવના: શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ અને સેવા-ભક્તિનું સ્વરૂપ

ભારતીય તત્વજ્ઞાનના ઇતિહાસમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી (શ્રી મહાપ્રભુજી) દ્વારા પ્રવર્તિત પુષ્ટિ ભક્તિમાર્ગ (શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ) એક ક્રાંતિકારી વિચારધારા તરીકે ઉભરી આવ્યો છે. આપણા સંપ્રદાયનો મુખ્ય ઉદ્દેશ્ય જીવને ભગવાન શ્રીકૃષ્ણ સાથે નિર્ગુણ, પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા પુનઃ જોડાણ કરાવવાનો છે. પુષ્ટિમાર્ગના હાર્દ સમાન 'સેવા' એ માત્ર ક્રિયા નથી, પરંતુ તે જીવનું બ્રહ્મ સાથેનું અનુસંધાન છે. વર્તમાન સમયમાં, પુષ્ટિમાર્ગીય અનુયાયીઓમાં 'ગૃહ સેવા' (સ્વગૃહે સેવા) અને 'હવેલી સેવા' (સાર્વજનિક મંદિરોમાં સેવા/દર્શન) વચ્ચેના તફાવત અને મહત્વ વિશે ઘણી ગેરસમજણો પ્રવર્તી રહી છે. આ સંશોધન અહેવાલનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રીમહાપ્રભુજી દ્વારા વિરચિત "ષોડશ ગ્રંથ" અને તેમના પરના ટીકા-ગ્રંથોના આધારે એ સિદ્ધ કરવાનો છે કે પુષ્ટિમાર્ગમાં 'ગૃહ સેવા' જ એકમાત્ર શાસ્ત્રસંમત અને ફળદાયી રીત છે, જ્યારે વર્તમાન 'હવેલી પરંપરા' અને સાર્વજનિક મંદિરોની પદ્ધતિ એ મૂળ સિદ્ધાંતોથી વિપરીત અપસિદ્ધાંત અને અનેક રીતે બાધક છે.

આ અહેવાલમાં શ્રીમહાપ્રભુજીના મૂળભૂત ગ્રંથો જેવા કે સિદ્ધાંત મુક્તાવલી, ભક્તિવર્ધિની, સંન્યાસ નિર્ણય, સિદ્ધાંત રહસ્ય, જલભેદ અને સેવા ફલમ નું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આપણે જોઈશું કે કેવી રીતે 'તનુવિત્તજા સેવા', 'અસમર્પિત ત્યાગ','દેવદ્રવ્ય નિષેધ' અને 'નાન્યત્ર ગમન' જેવા પાયાના સિદ્ધાંતો સાર્વજનિક પૂજા પદ્ધતિને નકારી કાઢે છે અને 'નિજ મંદિર' (સ્વગૃહ) ની ભાવનાને અનિવાર્ય બનાવે છે.

૧.૧ પુષ્ટિમાર્ગની વ્યાખ્યા અને સેવા નું લક્ષણ

પુષ્ટિમાર્ગ એટલે ભગવાનના અનુગ્રહ (કૃપા) નો માર્ગ. “પુષ્ટિ પ્રવાહ મર્યાદા” ભેદ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ કરે છે કે, પુષ્ટિ જીવો સૃષ્ટિના પ્રવાહ કે વેદની મર્યાદાથી પર છે; તેમનું (પુષ્ટિ જીવનું) સર્જન જ ભગવાનની સેવા માટે જ થયું છે. અહીં 'સેવા' શબ્દનો અર્થ માત્ર મૂર્તિપૂજા નથી. સિદ્ધાંત મુક્તાવલી માં સેવા ની વ્યાખ્યા આપતા આચાર્યચરણો કહે છે: "ચેતસ્તત્પ્રવણં સેવા" - એટલે કે ચિત્તનું ભગવાનમાં પ્રવણ (સંપૂર્ણપણે પરોવાઈ જવું) થવું તે સેવા છે. આ માનસિક અવસ્થા પ્રાપ્ત કરવા માટે શારીરિક શ્રમ અને પોતાના ધનનું જ સમર્પણ એ સાધન છે. આ વ્યાખ્યા જ સૂચવે છે કે જ્યાં સુધી ચિત્તની એકાગ્રતા ન સધાય ત્યાં સુધી સેવા સિદ્ધ થતી નથી, અને સાર્વજનિક સ્થળોએ ચિત્તની એકાગ્રતા જાળવવી એ અશક્ય છે, જે આપણે આગળ જોઈશું.

૨. સિદ્ધાંત મુક્તાવલી: તનુ-વિત્તજા સેવા અને સ્વ-ધર્મનું મહત્વ

શ્રીમહાપ્રભુજીએ “સિદ્ધાંત મુક્તાવલી” ગ્રંથમાં, સેવાના કોઈ બે મુખ્ય પ્રકારોનું વર્ણન કર્યું નથી, પરંતુ એક સંયુક્ત સ્વરૂપ આપ્યું છે: 'તનુવિત્તજા'. આ શબ્દનો અર્થ અને ગૂઢાર્થ સમજવો એ ગૃહ સેવાના સમર્થન માટે પાયારૂપ છે.

૨.૧ 'તનુવિત્તજા' નો અર્થ અને અનિવાર્યતા

શ્લોક: "ચેતસ્તત્પ્રવણં સેવા તત્ સિદ્ધયૈ તનુવિત્તજા". અહીં 'તનુ' (શરીર) અને 'વિત્ત' (ધન) - આ બંનેના સંયોજનથી થતી સેવાની વાત છે. આચાર્યચરણો એ 'તનુજા' (શરીરથી થતી) અને 'વિત્તજા' (ધનથી થતી) સેવાને અલગ અલગ નથી ગણાવી, પરંતુ એક સમાસ તરીકે 'તનુવિત્તજા' શબ્દ પ્રયોજ્યો છે. આનો અર્થ એ છે કે સેવકે પોતાના જ શરીરથી અને પોતાના જ કમાયેલા ધનથી પ્રભુની સેવા કરવી અનિવાર્ય છે. અને આજ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાંઈજી ના પુષ્ટિમાર્ગ ની રીત છે.

सिद्धान्तमुक्तावली:
श्रीमद्विट्ठलेश्वरविरचित विवृतिसमेता

तमेवाहुः कृष्णसेवेति । फलात्मकनामोक्त्या स्वतः पुरुषार्थत्वेन सेवाकृतिः स्वसिद्धान्तो, न त्वन्यशेषत्वेनेति ज्ञाप्यते । सेवा हि सेवकधर्मः । तदुक्त्या जीवानामशेषाणां सहजदासत्वं ज्ञापितम् । अत एव न कर्मणीवात्र 'कालपरिच्छेदोस्तीत्याहः सदेति । आवश्यकार्थण्यत्प्रत्ययान्तकार्यपदोक्त्या तदकरणे प्रत्यवायी भवतीति भावो ज्ञाप्यते ।

અર્થ: ફલાત્મક કૃષ્ણની સેવા સ્વતઃ (પોતાની જાતે/પોતાનો) પુરુષાર્થ સ્વરૂપે સમજીને કરવી, સાધન સમજીને નહીં. આજ આપણા માર્ગ નો સિદ્ધાંત છે. કૃષ્ણસેવા જ ફળસ્વરૂપ છે, તેનાથી કંઈપણ પ્રાપ્ત કરવાનું નથી. સહજ દાસ હોવાના કારણે શ્રીકૃષ્ણ સેવા કરવી આવશ્યક છે, જો આ નહીં કરીએ તો દોષ લાગશે.


सा च फलरूपा साधनरूपा चास्ते । तत्र मानसी सा परा फलरूपेत्यर्थः । यथा व्रजसीमन्तिनीनाम् ।

અર્થ: કૃષ્ણસેવા ફળરૂપા અને સાધનરૂપા બન્ને પ્રકારની છે. આમાં માનસી સેવા ફળરૂપા છે.

(વ્રજગોપીકાઓના પ્રાણનાથ શ્રીકૃષ્ણે "હે ઉદ્ધવ! જે રીતે મોટા-મોટા ઋષિ-મુનિઓ સમાધિમાં તલ્લીન થઈ જાય છે અને જેમ મોટી-મોટી નદીઓ સમુદ્રમાં મળીને પોતાનું નામ અને રૂપ ગુમાવી દે છે, તેવી જ રીતે ગોપીઓ મારામાં એટલી તન્મય થઈ ગઈ હતી કે તેમને લોક-પરલોક, શરીર અને પોતાના કહેવાતા પતિ-પુત્રાદિની પણ સુધ-બુધ રહી ન હતી (શ્રીમદ્ ભાગવત-૧૧/૧૨/૧૨)" વગેરે વાક્યો દ્વારા કહ્યું પણ છે.)

सिद्धान्तमुक्तावली:
श्रीमद्रोकुलनाथजीकृत विवृतिटिप्पणी

सर्वात्मभावस्य मनोधर्मत्वात्तत्पूर्विकायास्तस्या मानसीत्वमुक्तमिति न काचित्क्षतिः।

અર્થ: સર્વાત્મભાવનો ઉદય થવો એ મનનો ધર્મ છે, અર્થાત્ સર્વાત્મભાવ મનમાં પ્રગટ થાય છે. તેથી વ્રજસીમંતિનીઓ (વ્રજની ગોપીઓ) દ્વારા પોતાના મનને ભગવાનમાં સંપૂર્ણપણે જોડીને ભગવાનની સેવા કરવાને શ્રી પ્રભુચરણોએ 'માનસી સેવા' કહી છે.

सिद्धान्तमुक्तावली
श्रीमत्पुरुषोत्तमजीकृत विवृतिप्रकाशः

अतः कृष्ण इति फलात्मकस्य भगवतो नाम, तदुक्त्या तत्समभिव्याहारेण तथा सेवाकृतिः स्वसिद्धान्तः।

અર્થ: ફલાત્મક કૃષ્ણની સેવાને પણ ફલાત્મક (ફળરૂપ) જ સમજીને તેમની સેવા કરવી એ જ આપણા માર્ગનો સિદ્ધાંત છે.

૧. અભિમાનનો ઉદ્ભવ: જો હું માત્ર પૈસા આપું અને સેવા ન કરું, તો મને "મેં સેવા કરાવી" અથવા “હું આજના 56 ભોગ નો મનોરથી છું” તેવું રાજસી અભિમાન આવશે.
૨. ચિત્ત વિનિયોગનો અભાવ: સેવાનો ઉદ્દેશ્ય ચિત્તને ભગવાનમાં જોડવાનો છે. જ્યારે હું જાતે શ્રમ કરું છું (ભોગ સિદ્ધ કરવા, શૃંગાર કરવા, સોહિની કરવી), ત્યારે મારું મન તે ક્રિયા સાથે ભગવાનમાં જોડાયેલું રહે છે. જો હું માત્ર પૈસા આપી દઉં, તો મારું મન ભગવાનમાં નહીં, પણ મારા પૈસાના સંસારમાં જ ભટકશે.

આમ, 'તનુવિત્તજા' સિદ્ધાંતનો નિષ્કર્ષ એ જ આવે છે કે સેવા એવી જગ્યાએ થવી જોઈએ જ્યાં મારું (પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ નું) પોતાનું તન અને મારું (પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ નું) પોતાનું ધન વપરાતું હોય. આ શરત માત્ર ને માત્ર 'ગૃહ સેવા' માં જ પૂર્ણ થાય છે. હવેલીમાં વૈષ્ણવનું ધન હોય છે અને તન (સેવા કરનાર) બીજાનું હોય છે, એવં વ્યવસ્થા અને માલિકી બીજાની હોય છે. તેથી, "હવેલી સેવા" મહાપ્રભુજી ની દૃષ્ટિએ એને ઉપયુક્ત અનુસાર 'તનુવિત્તજા' સેવા નથી.

જ્યારે વૈષ્ણવ પોતાના ઘરમાં સતત પ્રભુની સેવામાં રત રહે છે, ત્યારે તેના સંસ્કારો એટલા દ્રઢ થઈ જાય છે કે, જ્યારે તે શારીરિક રીતે સેવા નથી કરતો હોતો, ત્યારે પણ તેનું મન પ્રભુની લીલામાં જ રમાયેલું રહે છે. આ અવસ્થા સાર્વજનિક દર્શનથી પ્રાપ્ત થતી નથી. સાર્વજનિક મંદિર (હવેલી) માં જીવ (વૈષ્ણવ) 'પ્રેક્ષક' (Viewer) હોય છે, જ્યારે ગૃહ સેવામાં જીવ 'કર્તા' (Doer) અને 'ભોક્તા' (Enjoyer) હોય છે. માનસી સેવા સિદ્ધ કરવા માટેનું સોપાન ગૃહ સેવા જ છે, જેમાં બાહ્ય વિક્ષેપો લઘુત્તમ હોય છે.

૩. હવેલી પરંપરા : 'દેવદ્રવ્ય' અને 'સાર્વજનિકતા' ના જોખમો

આ અહેવાલનો આ વિભાગ (મુદ્દા ૨ અને ૩) શ્રીમહાપ્રભુજીના સિદ્ધાંતોની કસોટી પર વર્તમાન હવેલી પરંપરાનું મૂલ્યાંકન કરે છે. ઐતિહાસિક રીતે, શ્રીમહાપ્રભુજી અને શ્રીગુસાંઈજીના સમયમાં 'હવેલી' શબ્દનો અર્થ 'મોટું ઘર' (Mansion) થતો હતો, જ્યાં ગોસ્વામી બાળકો પોતાના સેવ્ય સ્વરૂપની સેવા કરતા હતા. તે સાર્વજનિક મંદિરો નહોતા. પરંતુ કાળક્રમે આ વ્યવસ્થા બદલાઈ અને આજે હવેલીઓ 'પબ્લિક ટ્રસ્ટ' સંચાલિત મંદિરો બની ગઈ છે, જે અનેક દોષોનું કારણ બન્યું છે.

૩.૧ દેવદ્રવ્યનો નિષેધ

પુષ્ટિમાર્ગમાં 'દેવદ્રવ્ય' (ભગવાનના નામે આવેલું ધન) નો ઉપયોગ કરવો એ મહાપાપ માનવામાં આવ્યું છે. શ્રીમહાપ્રભુજી એ "ઘરુ વાર્તા" માં સ્પષ્ટ આજ્ઞા કરી છે: "જે શ્રીઠાકોરજીનું (દેવ) દ્રવ્ય ખાશે તે મારો (પુષ્ટિમાર્ગી) નહીં કહેવાય. અને મારો સેવક ભગવદીય હશે તે દેવદ્રવ્ય ક્યારેય નહીં ખાય".

સાર્વજનિક હવેલીઓ માં થતા મનોરથો, ભોગ-સામગ્રી, શૃંગાર અને ઉત્સવો વૈષ્ણવો દ્વારા આપવામાં આવતી ભેટ-સોગાદો અને રોકડ રકમ (Dev Dravya) દ્વારા જ શક્ય બને છે. અહીં, ગંભીર સમસ્યાઓ ઉદ્ભવે છે:

ભોગ અંગીકારનો પ્રશ્ન: શ્રીઠાકોરજી માત્ર 'સ્વકીય' (પોતાના ભક્તની) સામગ્રી જ અંગીકાર કરે છે. હવેલીમાં મુખિયાજી જે ભોગ ધરે છે, તે સામગ્રી મુખિયાજીના સ્વદ્રવ્યની નથી હોતી, તે સમાજ (વૈષ્ણવ) ના પૈસાની હોય છે. કિશોરીબાઈના પ્રસંગમાં શ્રીઠાકોરજીએ સ્પષ્ટ કહ્યું હતું કે "તેં મારા માટે (બીજા પાસેથી) સામગ્રી કેમ લીધી? તે અમે કેવી રીતે આરોગીએ?". આ સિદ્ધાંત (વાર્તા) મુજબ, બીજાના દ્રવ્યથી થતી હવેલીની સેવા પ્રભુ અંગીકાર કરતા જ નથી.

પ્રસાદની અશુદ્ધિ: જ્યારે ભોગ જ અંગીકાર નથી થતો, ત્યારે તે પ્રસાદ રહેતો નથી, માત્ર અન્ન રહે છે. વળી, તે અન્ન દેવદ્રવ્યથી ખરીદાયેલું હોવાથી તેને આરોગવું એ પુષ્ટિમાર્ગીય જીવ માટે બાધક છે. શ્રીપુરુષોત્તમજી મહારાજ સિદ્ધાંત રહસ્ય ની ટીકામાં સમજાવે છે કે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો જોઈએ, અને દેવદ્રવ્યથી ખરીદેલી વસ્તુ પ્રભુને સમર્પિત થતી નથી (કારણ કે સમર્પણ કરનારની માલિકી હોવી જોઈએ).

વ્યાપારીકરણ: આજની હવેલીઓમાં મનોરથોના 'ભાવ' (Rates) નક્કી હોય છે. પૈસા આપીને મનોરથ કરાવવો એ સેવા નથી, પણ વ્યાપાર છે. શ્રીમહાપ્રભુજીએ ક્યારેય સેવાનો આર્થિક વિનિમય સ્વીકાર્યો નથી. જલભેદ ગ્રંથમાં આચાર્યશ્રીએ સ્પષ્ટ કહ્યું છે કે જે લોકો ગાન (કીર્તન) કે કથાને આજીવિકાનું સાધન બનાવે છે તે 'ગર્ત' (ખાડાના ગંદા પાણી) સમાન છે.

૩.૨ દેવલક: પગારદાર મુખિયાજી પ્રથા

શ્રીમહાપ્રભુજી દ્વારા ("મારો સેવક ભગવદીય હશે, તે દેવદ્રવ્ય ક્યારેય નહીં ખાય" ઘરુ વાર્તા માં આપશ્રીની આજ્ઞા) 'દેવલક' ની સખત નિંદા કરવામાં આવી છે.
શ્લોક: "દેવારર્ચનપરો યસ્તુ વિત્તાર્થી વત્સરત્રયમ્| સ વૈ દેવલકો નામ હવ્ય-કવ્યેષુ ગર્હિતઃ". (દેવલ સ્મૃતિ)
અર્થાત્, જે વ્યક્તિ ત્રણ વર્ષ સુધી ધનની ઈચ્છાથી દેવપૂજા કરે છે, તે 'દેવલક' કહેવાય છે અને તે તમામ ધાર્મિક કાર્યો માટે અયોગ્ય ગણાય છે. (દેવલ સ્મૃતિ)
હવેલીઓમાં સેવા કરતા મુખિયાજીઓ અને કર્મચારીઓ પગારદાર હોય છે. તેઓ સેવા (કથાકથિત રીતે) ભલે કરે, પણ તેમનો મુખ્ય હેતુ આજીવિકા (વિત્ત) હોય છે. શ્રીમહાપ્રભુજીના મતે, આવા દેવલકના હાથે થયેલી સેવા પ્રભુ સ્વીકારતા નથી અને આવા પૂજારીના દર્શન પણ પાપરૂપ માનવામાં આવ્યા છે. ગૃહ સેવામાં સેવક પગાર લેતો નથી; ઉલટાનું તે પોતાનું ધન પ્રભુ માટે ખર્ચે છે. તેથી, ગૃહ સેવામાં 'દેવલક' દોષ લાગતો નથી અને સેવા શુદ્ધ રહે છે.

सिद्धान्तमुक्तावली
श्रीमत्पुरुषोत्तमजीकृत विवृतिप्रकाशः

तच्चेद्वित्तं वेतनत्वेन दत्त्वा कार्यते, तदा सा चित्तस्य राजसत्वं कुर्वन्ती चित्तस्य तत्प्रवणत्वं न करोति । यदि च वित्तं वेतनत्वेन गृहीत्वा क्रियते, तदा ऋत्विजो यागवत् स्वस्य तत्प्रवणत्वरूपं फलं न साधयति । न च यागो यजमानस्येव वित्तदातुः फलतीति शंक्यम् । तत्रत्र्विग्दक्षिणावरणादिवदत्र तहानादेर्भक्तिमार्गे भगवतानुक्तत्वात् । अतस्तथा न कार्यम्, किन्तु भगवदुक्तरीत्यैव कार्यम् । तदैव साधनरूपा साध्यरूपां मानर्सी सेवां जनयन्ती स्वयमपि पश्चात्फलरूपतया व्रजस्थानामिव पर्यवस्यतीति । एतदेव निबन्धे 'विशिष्टरूपं वेदार्थ' इत्यादिना 'एतन्मार्गद्वयं प्रोक्त' मित्यन्तेन सविवरणेन बोधितम् ।

અર્થ: પરંતુ જો સેવા ધન વેતનના રૂપમાં (પગાર તરીકે) આપીને કોઈ અન્ય પાસે કરાવવામાં આવે, તો આવી સેવા ચિત્તમાં રાજસતા પેદા કરે છે અને ચિત્તને પ્રભુમાં પ્રવણ (તલ્લીન) કરતી નથી. બરાબર આ જ રીતે, ઉપર્યુક્ત પ્રકારથી જો કોઈ ધનને વેતનના રૂપમાં સ્વીકારીને સેવા કરતું હોય, તો જેમ યજ્ઞકર્તા (યજ્ઞ કરનાર) ને યજ્ઞફળ નથી મળતું પરંતુ યજમાન (યજ્ઞ કરાવનાર) ને જ ફળ મળે છે, તે જ રીતે આવી સેવા વેતનરૂપે ધન લઈને કરનારના ચિત્તને ભગવાનમાં પરોવવા વાળા ફળને સિદ્ધ કરતી નથી.
અહીં તમે એવું ન વિચારી લેતા કે, તો પછી જે રીતે યજ્ઞનું ફળ યજમાનને મળે છે, તે પ્રકારે ધન આપીને સેવા કરાવનારાને પણ સેવાનું ફળ પ્રાપ્ત થઈ જશે... ના, આ તર્ક ભગવદ્સેવા માટે લાગુ પડતો નથી કારણ કે જે રીતે યજ્ઞના સંદર્ભમાં યજમાન દ્વારા ઋત્વિકોની પસંદગી કરીને ત્યારબાદ તેમની પાસે યજ્ઞ કરાવીને, તેમને દક્ષિણા આપીને યજ્ઞફળ સ્વયં પ્રાપ્ત કરવાની વાત કહેવામાં આવી છે, તે પ્રકારે ધન આપીને કે દક્ષિણા વગેરે આપીને ભગવદ્સેવા કરાવીને ફળ સ્વયં પ્રાપ્ત કરી લેવાનો પ્રકાર ભગવાને ભક્તિમાર્ગમાં ક્યાંય પણ કહ્યો નથી.
આ કારણે ધન આપીને અથવા ધન લઈને વેતનરૂપે કોઈની પાસે ભગવદ્સેવા ન કરવી/કરાવવી જોઈએ, પરંતુ સ્વયં ભગવાને એકાદશ સ્કંધમાં જે પ્રકારે કહ્યું છે, તે રીતથી જ સેવા કરવી જોઈએ. ભગવદુક્ત સાધનસેવા જ સાધ્યરૂપા માનસીસેવાને ઉત્પન્ન કરે છે અને કાલાંતરે સ્વયં તે પણ ફળરૂપા બની જાય છે, જેવી વ્રજભક્તોની સેવા હતી. આ જ વાત આચાર્યચરણોએ નિબંધમાં 'વિશિષ્ટરૂપં વેદાર્થઃ (સર્વ-૨૨૦)' વગેરે વાક્યોથી લઈને 'એતન્માર્ગદ્વયં પ્રોક્તં-૨૫૬' અહીં સુધીના વાક્યો દ્વારા વિવરણસહિત સમજાવી છે.

૩.૩ સાર્વજનિકતા અને ભક્તિનો નાશ

બીજદાઢર્ય પ્રકારસ્તુ, ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ । અવ્યાવૃત્તો ભજેત્ કૃષ્ણ, પૂજ્યા શ્રવણાદિભિઃ ।।૨।।

બીજદાઢર્ય = બીજભાવ દઢ કરવાનો, પ્રકાર: તુ = પ્રકાર તો (એવો છે કે), ગૃહે = (પોતાના) ઘરમાં, સ્થિત્વા = રહીને, સ્વધર્મતઃ = સ્વધર્મ પ્રમાણે, અવ્યાવૃત્તો = વ્યાવૃત્તિ કર્યા વિના, ભજેત્ = સેવા કરવી, કૃષ્ણમ્ = ભગવાન શ્રીકૃષ્ણની, પૂજ્યા =પૂજા વડે, શ્રવણ-આદિભિઃ = શ્રવણ વગેરેથી

ભાવાર્થ:- ભક્તિનો બીજભાવ દઢ કરવાનો પ્રકાર તો એવો છે કે કોઈ પણ પ્રકારની વ્યાવૃત્તિ વિના અર્થાત્ વ્યવસાય, ધંધો, અન્ય ઉદ્યમથી નિવૃત્તિપૂર્વક સંગરહિત થઈને પોતાના ઘરમાં રહીને, સ્વધર્મ પ્રમાણે પૂજન અને શ્રવણ વગેરેથી ભગવાન શ્રીકૃષ્ણની સેવા કરવી.

સાર્વજનિક સ્થળોએ ભીડ, ઘોંઘાટ અને વિવિધ પ્રકારના લોકોનો સંપર્ક ભક્તિભાવનો નાશ કરે છે. હવેલીઓમાં થતા દર્શનમાં ઘણીવાર ભક્તિ કરતા ધક્કામુક્કી અને વ્યવસ્થાપનનો અનુભવ વધુ થાય છે. ત્યાં 'દર્શન' એક સામાજિક પ્રસંગ બની જાય છે, જ્યારે ગૃહ સેવા એક આત્મીય મિલન છે.
શ્રીમહાપ્રભુજીએ નિરોધલક્ષણ માં ગોપીઓના વિરહ અને પ્રેમની જે સ્થિતિ વર્ણવી છે, તે અત્યંત ગોપનીય છે. ગોપીઓનો પ્રેમ પ્રદર્શનનો વિષય નહોતો. જ્યારે હવેલીમાં થતા ઉત્સવો અને મનોરથો મોટેભાગે પ્રદર્શન અને સામાજિક મોભા માટે થતા હોય છે. "મારો મનોરથ" તેવું અભિમાન સેવક (મનોરથી) માં આવે છે, જે ભક્તિમાર્ગમાં સૌથી મોટો બાધક છે.

વિષય ગૃહ સેવા (પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત) હવેલી સેવા (વર્તમાન કુપરંપરા)
દ્રવ્ય સ્ત્રોત સ્વ-દ્રવ્ય (સેવકનું પોતાનું કમાયેલું) દેવદ્રવ્ય (સમાજની ભેટ/દાન)
સેવક સ્વયં (તનુજા) પગારદાર મુખિયાજી/કર્મચારી
ભાવ નંદાલય (વૈષ્ણવ નું ઘર), વાત્સલ્ય દેવાલય (મંદિર)
ઉદ્દેશ્ય ભગવદ્ સંતોષ આત્મ સંતોષ / સામાજિક પ્રતિષ્ઠા
સ્વરૂપ નિજસેવ્ય (પુષ્ટિ પુરુષોતમ) પ્રભુ નું સ્વરૂપ તિરોહિત થાય

૪. ગૃહ સેવા : ષોડશ ગ્રંથોનો આદેશ

શ્રીમહાપ્રભુજીએ ષોડશ ગ્રંથોમાં ડગલે ને પગલે ગૃહ સેવાનો મહિમા ગાયો છે અને તેને જ કલિયુગમાં જીવના ઉદ્ધારનો એકમાત્ર ઉપાય ગણાવ્યો છે.

૪.૧ ભક્તિવર્ધિની: "ગૃહે સ્થિત્વા" - ઘર એ જ આશ્રમ

“ભક્તિવર્ધિની” ગ્રંથના દ્વિતીય શ્લોકમાં મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે:"બીજદાર્ઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ | અવ્યાવૃત્તો ભજેત્ કૃષ્ણ પૂજયા શ્રવણાદિભિઃ ||". અહીં "ગૃહે સ્થિત્વા" (ઘરમાં રહીને) શબ્દ અત્યંત એકાંત નો સૂચક છે. ભક્તિનું બીજ દ્રઢ કરવા માટે સેવકે ઘર છોડીને વનમાં કે મંદિર(હવેલી)માં જવાની કોઈ જરૂર નથી. ઘર એ જ સાચો આશ્રમ છે જ્યાં સેવક પોતાના પ્રભુ સાથે કોઈ પણ જાતના બાહ્ય વિક્ષેપ વગર રહી શકે છે. "અવ્યાવૃત્ત" શબ્દનો અર્થ છે વ્યાવૃત્તિ રહિત, એટલે કે ચિત્ત અન્યત્ર ન ભટકવું જોઈએ. જો સેવક દર્શન માટે અહીં-તહીં ભટકશે, તો તેનું ચિત્ત સ્થિર નહીં થાય. ઘરમાં જ પ્રભુ બિરાજતા હોય, તો ચિત્તને અન્યત્ર જવાનું કારણ રહેતું નથી. આ ગૃહ સેવા દ્વારા જ સ્નેહ, આસક્તિ અને વ્યસન - ભક્તિની આ ત્રણ ઉચ્ચ અવસ્થાઓ પ્રાપ્ત થઈ શકે છે.

૪.૨ સંન્યાસ નિર્ણય: કલિયુગમાં ત્યાગનો નિષેધ અને ઘરનું રક્ષણ

સંન્યાસ નિર્ણય ગ્રંથમાં શ્રીમહાપ્રભુજીએ કલિયુગમાં પરંપરાગત સંન્યાસનો નિષેધ કર્યો છે. શ્લોક: "અતઃ કલૌ સ સંન્યાસઃ પશ્ચાત્તાપાય નાન્યથા| પાષંડિત્વં ભવેચ્ચાપિ તસ્માજ્ઞાને ન સંન્યસેત્||". કલિયુગમાં જ્ઞાનમાર્ગીય કે કર્મમાર્ગીય સંન્યાસ લેવાથી માત્ર પશ્ચાત્તાપ અને પાખંડ જ હાથ લાગે છે. તેથી, ભક્તે ઘરનો ત્યાગ કરવો નહીં. પુષ્ટિમાર્ગીય સંન્યાસ માત્ર 'વિરહાનુભવ' જ છે, જે અત્યંત ઉચ્ચ કક્ષાના ભક્ત માટે છે. સામાન્ય જીવ માટે તો "ત્યાગે બાધક ભૂયત્વં" - ત્યાગમાં અનેક બાધકો છે (જેમ કે ભોજનની ચિંતા, દુસંગ વગેરે). તેથી, સૌથી સુરક્ષિત માર્ગ એ છે કે ઘરમાં જ રહીને, પ્રભુને સર્વસ્વ સમર્પણ કરી, ગૃહસ્થ જીવનને 'સેવામય' બનાવી દેવું.

૪.૩ સિદ્ધાંત રહસ્ય: અસમર્પિત ત્યાગ અને નંદાલય ભાવ

સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં બ્રહ્મસંબંધ મંત્ર દ્વારા 'નિવેદન' નો સિદ્ધાંત સમજાવવામાં આવ્યો છે. શ્લોક: "અસમર્પિત વસ્તૂનાં તસ્માદ્ વર્જનમાચરેત્". આ સિદ્ધાંત મુજબ, પ્રભુને સમર્પિત કર્યા વગરની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો વર્જિત છે. આ નિયમનું પાલન વ્યવહારિક રીતે માત્ર અને માત્ર 'ગૃહ સેવા' માં જ શક્ય છે.

सिद्धान्त-रहस्यम्
श्रीगोकुलनाथानां पुरुषोत्तमसिद्धान्त विवृतिः

असमर्पितवस्तूनां तस्माद्वर्जनमाचरेत् ।। ४ ।।
एवं सेवार्थं सोपपत्तिकां सर्वदोषनिवृत्तिमुक्त्वाग्रे तादृशस्य यावज्जीचं दोषसंक्रान्त्यभावार्थ स्थितिप्रकारमाहुः असर्पितवस्तूनामिति । यतोस्मिन्मार्गे भगवत्सम्बन्धाभाववद्वस्तुसंसर्गस्यैव दोषत्यम्, अतः स्वार्थं भगवदसमर्पितवस्तूनां वर्जनमाचरेत्। संसर्गमपि न कुर्यादित्यर्थः।

અર્થ: આ પ્રકારે સેવા માટે પ્રમાણસહિત સમસ્ત દોષોની નિવૃત્તિ કહીને, આગળ તેવી વ્યક્તિને જીવનપર્યંત દોષ-સંક્રમણના અભાવ માટે (દોષ ન લાગે તે માટે) રહેવાનો પ્રકાર ' અસમર્પિત વસ્તુનામ્' - આ શબ્દોથી કહી રહ્યા છે. કેમ કે આ માર્ગમાં ભગવદ્-સંબંધના અભાવ જેવી વસ્તુના સંસર્ગથી જ દોષ ઉત્પન્ન થાય છે, તેથી સ્વયં ભગવદ્ અસમર્પિત વસ્તુઓનું વર્જન (ત્યાગ) કરવું જોઈએ. તેનો સંસર્ગ પણ ન કરવો જોઈએ, એવો આનો અર્થ છે.

જ્યારે પ્રભુ ઘરમાં બિરાજતા હોય, ત્યારે ભોગ બન્યા પછી તરત ધરાવી શકાય, પાણી લેતા પહેલા સમર્પિત કરી શકાય, આ રીતે સમગ્ર જીવનચર્યા 'સેવા' બની જાય છે. હવેલીમાં જઈને આવનાર વ્યક્તિ માટે આ શક્ય નથી. તે પોતાના ઘરમાં અસમર્પિત અન્ન-જળ લે છે, જે દોષરૂપ છે. બ્રહ્મસંબંધમાં સેવક પ્રતિજ્ઞા લે છે કે "હું મારા દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ઘર, પત્ની, પુત્ર, ધન... બધું જ શ્રીકૃષ્ણને સમર્પણ કરું છું". આ સમર્પણ ત્યારે જ સાચું ઠરે જ્યારે આ બધી વસ્તુઓનો વિનિયોગ પ્રભુની સેવામાં થાય. આ માટે ઘરને 'નંદાલય' બનાવવું જ પડે.

૪.૪ નિરોધલક્ષણ: પ્રપંચ વિસ્મૃતિ અને ભગવદાસક્તિ

નિરોધલક્ષણ ગ્રંથનો મુખ્ય વિષય છે પ્રપંચ (સંસાર) ની વિસ્મૃતિ અને ભગવાનમાં આસક્તિ. શ્રીમહાપ્રભુજી શ્રી યશોદાજી અને ગોપીઓના ઉદાહરણ દ્વારા સમજાવે છે કે સાચો નિરોધ ઘરમાં રહીને પણ થઈ શકે છે, જો ઘરના તમામ કાર્યો કૃષ્ણ સંબંધિત હોય. શ્લોક: " યચ્ચ દુઃખં યશોદાયા નંદાદીનાં ચ ગોકુલે..." પુષ્ટિમાર્ગીય જીવે પોતાના ઘરને જ ગોકુળ બનાવવાનું છે. હવેલીમાં જવાથી ક્ષણિક આવેશ આવી શકે, પરંતુ તે સ્થાયી 'નિરોધ' નથી. સ્થાયી નિરોધ માટે તો પ્રભુ સાથેનું સતત, અવિરત અનુસંધાન જોઈએ, જે ગૃહ સેવા દ્વારા જ શક્ય છે.

૫.ઐતિહાસિક સંદર્ભ અને મહાપ્રભુજી નો અભિગમ

શ્રીનાથજીનું મંદિર (એક માત્ર પુષ્ટિમાર્ગીય દેવાલય અપવાદસ્વરૂપ) ગોવર્ધન પર શ્રીનાથજીનું મંદિર એક અપવાદ હતો અને તે સ્વયં પ્રગટ સ્વરૂપ હતું. મહાપ્રભુજીએ ત્યાં પણ 'સેવા' પ્રણાલી સ્થાપિત કરી હતી, 'પૂજા' નહીં. અને તે સમયે પણ ત્યાં સાર્વજનિક મેળા કે પૈસા ઉઘરાવવાની પ્રથા નહોતી.

હવેલીઓનો ઉદ્ભવ: પ્રાચીન સમયમાં જ્યારે મુઘલ આક્રમણો વધ્યા અને સલામતીનો પ્રશ્ન ઊભો થયો, ત્યારે સ્વરૂપોને સુરક્ષિત રાખવા માટે હવેલી જેવી રચનાઓ (જે બહારથી ઘર જેવી લાગે) અસ્તિત્વમાં આવી. પરંતુ તેનો મૂળ હેતુ ગોસ્વામીજીનું નિવાસસ્થાન અને તેમની અંગત સેવા જ હતો. કાળક્રમે આ વ્યવસ્થા બદલાઈ ગઈ અને દુકાન થઈ ગઈ.

૬. નિષ્કર્ષ: ગૃહ સેવા એ જ સત્ય

ષોડશ ગ્રંથો, શ્રીમહાપ્રભુજીના ઉપદેશો પરથી નીચે મુજબના તારણો પર આવી શકાય છે:

૧. સિદ્ધાંતિક અનિવાર્યતા: 'તનુવિત્તજા' સેવા, જે પુષ્ટિમાર્ગનો પાયો છે, તે માત્ર અને માત્ર સ્વગૃહે જ સિદ્ધ થઈ શકે છે. હવેલી એ દુકાન હોઈ શકે, પણ તે 'તનુવિત્તજા' સેવા નથી.
૨. નૈતિક શુદ્ધિ: 'દેવદ્રવ્ય' અને 'દેવલક' ના દોષોથી બચવા માટે ગૃહ સેવા એકમાત્ર ઉપાય છે. સાર્વજનિક મંદિરો અનિવાર્યપણે દેવદ્રવ્ય પર નભે છે, જે પુષ્ટિ જીવ માટે બાધક છે.
૩. ભાવનાત્મક જોડાણ: પુષ્ટિમાર્ગ એ પ્રેમનો માર્ગ છે. પ્રેમ એકાંત અને આત્મીયતા માંગે છે. ભીડભાડવાળી હવેલીઓમાં જે 'દર્શન' થાય છે તેના કરતા, એકાંતમાં પોતાના ઘરે કરેલી 'સેવા' માં પ્રભુ સાથેનું જોડાણ અનેકગણું ગાઢ હોય છે.
૪. આધુનિક ભ્રમણા: વર્તમાન સમયમાં હવેલીઓને જ પુષ્ટિમાર્ગનું કેન્દ્ર માનવામાં આવે છે તે એક ભ્રમણા છે. સાચું પુષ્ટિમાર્ગીય કેન્દ્ર દરેક વૈષ્ણવનું પોતાનું ઘર છે. શ્રીમહાપ્રભુજીએ વૈષ્ણવોના દરેક ઘરને જ વ્રજ બનાવ્યું છે.

આમ, પુષ્ટિમાર્ગમાં 'ગૃહ સેવા' નો કોઈ વિકલ્પ નથી, પરંતુ તે જ સિદ્ધાંત અને માર્ગીય રીત છે. જે વૈષ્ણવ, પોતાના ઘરે બિરાજતા ઠાકોરજીની યથાશક્તિ, પ્રેમપૂર્વક અને પોતાના જ તન અને પોતાના ધન થી સેવા કરે છે, તે જ સાચો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે, તે જ પ્રભુની પ્રસન્નતા (ભવગદ્ સંતોષ) પ્રાપ્ત કરી શકે છે. "કૃષ્ણ સેવા સદા કાર્યા" નો સાચો અર્થ પોતાના હૃદય અને પોતાના ઘરમાં કૃષ્ણ ને સ્થાપિત કરી, જીવનની પ્રત્યેક ક્ષણ તેમને સમર્પિત કરવી તે જ છે.

૭.હવેલી સેવા અપસિદ્ધાંતિક કેમ?

માર્ગીય દ્રષ્ટિએ હવેલી સેવા એ પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત નથી (અપસિદ્ધાંત છે). તેના કારણો નીચે મુજબ છે: સેવ્ય-સેવક ભાવનો અભાવ: પુષ્ટિમાર્ગનો પાયો 'સેવ્ય-સેવક ભાવ' છે. એટલે કે, દરેક વૈષ્ણવના પોતાના સેવ્ય (ઠાકોરજી) નિશ્ચિત હોય છે. હવેલીમાં બિરાજતા ઠાકોરજી એ ગુરુના (મહારાજશ્રીના) ઘરના સેવ્ય છે. વૈષ્ણવ ત્યાં જઈને સેવા કરે તો તે 'પરધર્મ' જેવું ગણાય, કારણ કે તે સ્વરૂપ તેમનું નથી. આપણે બીજાના બાળક ને લાડ કરીએ તો તે પ્રેમ કહેવાય, પણ આપણું કર્તવ્ય (ધર્મ) તો આપણા પોતાના બાળકની સંભાળ લેવાનું જ છે.

અન્યાશ્રયનો ભય: શ્રી મહાપ્રભુજીએ 'વિવેકધૈર્યાશ્રય' ગ્રંથમાં અન્યાશ્રયનો નિષેધ કર્યો છે. જો વૈષ્ણવ પોતાના ઘરે બિરાજતા ઠાકોરજીને સમય આપવાને બદલે, માન-પ્રતિષ્ઠા કે દેખાદેખી ખાતર હવેલીની પ્રવૃત્તિઓમાં રચ્યોપચ્યો રહે, તો તે પોતાના ઠાકોરજીનો દ્રોહ કરે છે. પોતાના સેવ્યને છોડીને અન્યત્ર મન લગાડવું એ એક પ્રકારનો અન્યાશ્રય જ છે.

લોકિક પ્રદર્શન: હવેલી સેવા ઘણીવાર સામાજિક મેળાાવડા કે ઉત્સવ પૂરતી સીમિત થઈ જાય છે, જેમાં ભક્તિ કરતાં વ્યવસ્થા અને પ્રદર્શનનું તત્વ વધી જાય છે. પુષ્ટિમાર્ગ 'નિર્ગુણ' છે, જ્યારે આવી જાહેર સેવાઓમાં 'સગુણ' (લોકિક) ભાવ આવી જવાની શક્યતા રહેલી છે.

આમ, સિદ્ધાંત સ્પષ્ટ છે: "નિજ ગૃહ માં નિજ સેવ્ય ની જ સેવા" (પોતાના ઘરે જ સેવા કરવી). સેવા તો માત્ર અને માત્ર 'નિજ ગૃહ' (પોતાના ઘર) માં જ સિદ્ધાંતસંમત અને પુષ્ટિમાર્ગીય રીત અનુસાર છે.

श्रीकृष्णार्पणमस्तु।
← Back to Articles
✨ આ લેખ અન્ય વૈષ્ણવો સુધી પહોંચાડો ✨
WhatsApp પર મોકલો