કાળના પ્રવાહમાં અડીખમ એક અસ્ખલિત ધારા

સૂર્યવંશ • મેવાડ • સિસોદિયા કુળનો દિવ્ય ઇતિહાસ

“जो दृढ़ राखे धर्म को, तिहि राखे करतार”

લેખક:
સિસોદિયા ભાર્ગવસિંહ
વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીના ૧૬મા વંશજ

ઇતિહાસ એટલે માત્ર વીતી ગયેલા સમયનો શુષ્ક દસ્તાવેજ નહીં, પરંતુ વર્તમાનની નસોમાં વહેતું ધબકતું રક્ત...જ્યારે કોઈ વંશનો ઇતિહાસ સૃષ્ટિના સર્જનથી શરૂ થઈને આજના આધુનિક યુગ સુધી અવિરત વહેતો હોય, ત્યારે તે માત્ર એક પરિવારની કથા રહેતી નથી; તે સમગ્ર માનવજાત, ધર્મ, આદર્શ અને અદમ્ય શૌર્યનો એક પવિત્ર મહાગ્રંથ બની જાય છે. મેવાડના રાજચિહ્ન પર અંકિત સુવર્ણ અક્ષરો, “जो दृढ़ राखे धर्म को, तिहि राखे करतार”, માત્ર એક વાક્ય નથી. તે એક વચન છે, એક સંકલ્પ છે, જે સદીઓથી અમારા રક્તના પ્રત્યેક બિંદુમાં ગુંજી રહ્યો છે આજે,આ વંશાવલીના ૨૨૬મા વારસદાર તરીકે, વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીના ૧૬મા વંશજ તરીકે, જ્યારે હું આ ઇતિહાસને શબ્દબદ્ધ કરી રહ્યો છું, ત્યારે હું માત્ર કાગળ પર શબ્દો નથી ઉતારી રહ્યો, પરંતુ મારા પૂર્વજોના અદ્રશ્ય આશીર્વાદ અને તેમના બલિદાનોની ગાથાનું સ્મરણ કરી રહ્યો છું. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરંપરાના દિવ્ય સંસ્કારો અને લુણાવાડા, મહીસાગરની ભૂમિ પર એક વિદ્યાર્થી તરીકે આધુનિક શિક્ષણ પ્રાપ્ત કરતી વખતે પણ, ભીતરનો એ રજપૂતી અવાજ, એ જ ખમીર અને એ જ મર્યાદાઓ મને સતત યાદ અપાવે છે કે હું કોણ છું.

ખંડ ૧: સૃષ્ટિનો દય અને સૂર્યવંશનું પ્રાગટ્ય (પેઢી ૧ થી ૭)

આપણા કુળનો આરંભ કોઈ પૃથ્વી પરના માનવીથી નથી થતો, પરંતુ બ્રહ્માંડના સર્જકથી થાય છે. પૌરાણિક ગ્રંથો, વાલ્મીકિ રામાયણ અને શ્રીમદ્ ભાગવત પુરાણ સાક્ષી છે કે પૌરાણિક પરંપરા અને પુરાણોમાં વર્ણવ્યા અનુસાર આ વંશની ઉત્પત્તિ ભગવાન નારાયણ સુધી પહોંચે છે.
૧. આદિ નારાયણ (અવ્યક્ત): સૃષ્ટિના પ્રારંભમાં જ્યારે સર્વત્ર માત્ર જળ જ હતું, ત્યારે ભગવાન નારાયણ વિદ્યમાન હતા.
૨. બ્રહ્મા (અયોનિજ): ભગવાન નારાયણની નાભિમાંથી પ્રગટ થયેલા કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. આ અયોનિજ સર્જન આ વંશની દિવ્યતાનું પ્રથમ પ્રમાણ છે.
૩. મરીચિ
૪. કશ્યપ:
બ્રહ્માજીના માનસ પુત્ર મરીચિ અને તેમના પુત્ર મહર્ષિ કશ્યપથી ઋષિ પરંપરા આગળ વધી.
૫. વિવસ્વાન (વૈવસ્વત-સૂર્ય): મહર્ષિ કશ્યપના પુત્ર વિવસ્વાન એટલે કે સૂર્યદેવથી આ મહાન 'સૂર્યવંશ'નો આરંભ થયો. જે કુળમાં સ્વયં સૂર્યનો પ્રકાશ અને તેજ હોય, ત્યાં અંધકાર ક્યારેય ટકી શકે નહીં.
૬. મનુ
૭. ઇક્ષ્વાકુ:
મનુના પુત્ર રાજા ઇક્ષ્વાકુથી આ વંશ 'ઇક્ષ્વાકુ વંશ' તરીકે જગવિખ્યાત થયો. ઇક્ષ્વાકુ એવા પ્રતાપી રાજા હતા જેમણે ધર્મ અને ન્યાયના પાયા પર રાજ્યની સ્થાપના કરી.

ખંડ ૨: ધર્મ, સત્ય અને ત્યાગના કીર્તિસ્તંભો (પેઢી ૮ થી ૬૧)

ઇક્ષ્વાકુ વંશમાં એવા અનેક મહારથીઓ અને તપસ્વી રાજાઓ થયા જેમણે પોતાના આચરણથી સમગ્ર વિશ્વને માર્ગદર્શન પૂરું પાડ્યું. આ વંશાવલીના પાનાઓ માત્ર નામોથી નથી ભરાયા, પરંતુ પ્રત્યેક નામ પાછળ એક યુગ પરિવર્તનની કથા છુપાયેલી છે.
૩૩. હરિશ્ચંદ્ર: સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, જેમણે સત્યના પાલન માટે પોતાનું રાજ્ય, પત્ની અને પુત્રનો પણ ત્યાગ કરી દીધો. સત્ય કાજે સર્વસ્વ ન્યોછાવર કરવાની આ પરંપરા સૂર્યવંશના રક્ત અને સંસ્કારોમાં સહસ્ત્રાબ્દીઓથી સંચિત રહી છે.
૪૨. સગર
૪૬. ભગીરથ: રાજા સગરના પુત્રોના ઉદ્ધાર માટે ૪૬મી પેઢીના રાજા ભગીરથે કઠોર તપસ્યા કરી અને સ્વર્ગમાંથી ગંગાને પૃથ્વી પર અવતરિત કરી. આ દર્શાવે છે કે જ્યારે સૂર્યવંશી રાજા કોઈ સંકલ્પ કરે છે, ત્યારે પરંપરાગત કથાઓ અનુસાર તેમની તપસ્યાથી દેવતાઓ પણ પ્રસન્ન થયા હોવાનું પુરાણોમાં વર્ણવાય છે.
૬૨. રઘુ: ૬૨મી પેઢીમાં મહારાજા રઘુનો જન્મ થયો. તેમના અદ્ભુત પરાક્રમ, દાનવીરતા અને યશને કારણે આ વંશ 'રઘુવંશ' તરીકે ઓળખાવા લાગ્યો.

ખંડ ૩: રઘુવંશ અને મર્યાદા પુરુષોત્તમનો યુગ (પેઢી ૬૨ થી ૯૩)

"રઘુકુલ રીતિ સદા ચલિ આઈ, પ્રાન જાઈ પર બચન ન જાઈ" - આ માત્ર એક ચોપાઈ નથી, આ સિસોદિયા વંશના પૂર્વજોનો જીવનમંત્ર રહ્યો છે.
૬૩. અજ
૬૪. દશરથ દ્વિતીય: રાજા અજ અને તેમના પુત્ર અયોધ્યાપતિ મહારાજા દશરથનું શાસન ધર્મરાજ્યનું ઉત્તમ ઉદાહરણ હતું.
૬૫. શ્રીરામ: બ્રહ્માંડના પાલનહાર, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ સ્વયં ૬૫મી પેઢીમાં પ્રગટ થયા. પિતાના એક વચન ખાતર ૧૪ વર્ષનો વનવાસ સ્વીકારવો, રાવણ જેવા મહાબળવાન આતતાયીનો વિનાશ કરવો અને આદર્શ 'રામરાજ્ય'ની સ્થાપના કરવી - શ્રીરામનું આ ચરિત્ર મેવાડના ભવિષ્યના મહારાણાઓ માટે પ્રેરણાનો અખૂટ સ્ત્રોત બન્યું. જ્યારે પણ મેવાડ પર સંકટ આવ્યું છે, ત્યારે મહારાણાઓએ અયોધ્યાના શ્રીરામને જ આદર્શ માન્યા છે.
૬૬. કુશ: ભગવાન રામના પુત્ર કુશ દ્વારા આ વંશવેલો આગળ વધ્યો.

ખંડ ૪: મહાભારત કાળ અને ભૌગોલિક પરિવર્તનો (પેઢી ૯૪ થી ૧૫૬)

સમયનું ચક્ર ફરતું રહ્યું અને રઘુવંશના પ્રતાપી રાજાઓએ દરેક યુગમાં પોતાની શૌર્યગાથા લખી.
૯૪. બૃહદ-બલ: મહાભારતના ઐતિહાસિક સંગ્રામમાં ૯૪મી પેઢીના રાજા બૃહદ-બલ કામ આવ્યા. રાજપ્રશસ્તિ મહાકાવ્યમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ધર્મયુદ્ધમાં પ્રાણની આહુતિ આપવી એ આ કુળ માટે ઉત્સવ સમાન રહ્યું છે.
<બી>૧૨૪. સુમિત્ર: ભાગવત પુરાણ મુજબ રાજા સુમિત્ર સુધી ઇક્ષ્વાકુનો વંશ અયોધ્યામાં અવિરત ચાલ્યો. સુમિત્રના ભાઈ કુર્મના વંશજો કછવાહ બન્યા (જેમણે આમેર, જયપુરમાં શાસન કર્યું) અને વિશ્વરાજની વંશવેલીમાંથી રાઠોડ બન્યા (જોધપુર, બીકાનેર).
૧૪૩. સિંહસ્થ (સિંહરાય): સમય જતાં અયોધ્યાથી સત્તાનું કેન્દ્ર બદલાયું. રાજા સિંહસ્થ સુધીના રાજાઓ અયોધ્યામાં રહ્યા, ત્યારબાદ તેમના વંશજોએ દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું અને દક્ષિણ દેશ જીતીને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. આ સમયગાળા દરમિયાન રાજાઓએ પોતાના નામની પાછળ 'આદિત્ય' (જેમ કે સુજાદિત્ય, સુમુખાદિત્ય) ઉપાધિ ધારણ કરવાની શરૂઆત કરી. ૧૫૬મી પેઢીના ગૃહસેન સુધી વલ્લભીમાં શાસન રહ્યું.

ખંડ ૫: મેવાડના સૂર્યનો ઉદય - ગુહિલોત કુળ (પેઢી ૧૫૭ થી ૧૮૯)

વલ્લભીના પતન બાદ એક નવા અધ્યાયની શરૂઆત થઈ. અરવલ્લીની ગિરિમાળાઓ અને મેવાડની પવિત્ર ભૂમિ હવે સૂર્યવંશના નવા શૌર્યની સાક્ષી બનવાની હતી.
૧૫૭. ગુહિલ (ગુહાદિત્ય): મેવાડના નરેશ તરીકે ગુહાદિત્યએ સત્તા સંભાળી અને તેમના નામ પરથી આ અત્યંત પ્રભાવશાળી રાજવંશ 'ગુહિલોત કુળ' તરીકે ઓળખાયો.
૧૬૪. કાલભોજ (બાપા રાવલ): ૧૬૪મી પેઢીએ મેવાડના ઇતિહાસમાં એક એવો સૂર્ય તપ્યો જેની ગરમી સદીઓ સુધી વિદેશી આક્રમણકારો સામે પ્રતિકારનું પ્રતિક બની મેવાડની રક્ષા કરી. મહર્ષિ હારિત રાશીના આશીર્વાદ અને શ્રીએકલિંગજીની કૃપાથી બાપા રાવલે અરબોને ભારતની સીમાઓથી દૂર ખદેડી મૂક્યા. તેમણે 'રાવલ'ની મહાન પદવી ધારણ કરી અને મેવાડ રાજ્યના પાયાને એવો મજબૂત કર્યો કે કોઈ વિદેશી તાકાત તેને હલાવી ન શકે. શ્રીએકલિંગજી પ્રત્યેની ભક્તિ એટલી પ્રગાઢ હતી કે મેવાડના રાજાઓ પોતાને રાજા નહીં, પરંતુ ભગવાન એકલિંગજીના દીવાન (સેવક) માનતા હતા. ત્યારબાદ અલ્લટ (૧૭૩), નરવાહન (૧૭૪), શક્તિ કુમાર (૧૭૬) અને રાવલ સમરસિંહ જેવા પ્રતાપી શાસકોએ મેવાડની ધજા ફરકતી રાખી.

ખંડ ૬: સિસોદિયા વંશ - અગ્નિપરીક્ષા અને અદમ્ય શૌર્યનો યુગ (પેઢી ૧૯૦ થી ૨૦૯)

ઇતિહાસમાં ઘણી વખત એવો સમય આવે છે જ્યારે કોઈ એક નામ સમગ્ર વંશની ઓળખ બની જાય છે. ૧૯૦મી પેઢીમાં રાજા ક્ષેમસિંહના સમયથી આ મહાન કુળ શિશોદ વંશ / સિસોદિયા વંશ તરીકે પ્રખ્યાત થયું. સિસોદિયા નામ પડતાં જ આંખ સમક્ષ રણભૂમિ, કેસરિયાં કરતાં રાજપૂતો અને જૌહરની જ્વાળાઓમાં હસતાં મુખે પ્રવેશ કરતી વીરાંગનાઓનાં દ્રશ્યો તરવરી ઉઠે છે.
૧૯૮. રતનસિંહ: અલાઉદ્દીન ખીલજીના આક્રમણ સમયે ચિત્તોડનો પ્રથમ અને ભીષણ સાકો થયો. રાવલ રતનસિંહે શત્રુઓ સામે લડતાં લડતાં પ્રાણ ન્યોછાવર કર્યા અને મહારાણી પદ્મિનીએ હજારો રાજપૂતાણીઓ સાથે પોતાના સતીત્વની રક્ષા કાજે અગ્નિમાં પ્રવેશ કરી 'જૌહર' કર્યું.
૧૯૯. હમ્મીરસિંહ: વિષમ પરિસ્થિતિઓમાં પણ મેવાડને પુનઃ સંગઠિત કરી, સિસોદિયા વંશના વાવટાને ફરી ચિત્તોડ પર લહેરાવવાનું ભગીરથ કાર્ય રાણા હમ્મીરે કર્યું.
૨૦૩. મહારાણા કુંભા: આ વંશ માત્ર યુદ્ધો પૂરતો મર્યાદિત નહોતો. મહારાણા કુંભા (૨૦૩મી પેઢી) શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં નિપુણ હતા. તેમણે મેવાડમાં ૮૪માંથી ૩૨ અજેય કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું, સંગીત અને સાહિત્યના મહાન ગ્રંથો રચ્યા અને સાથે જ ગુજરાત અને માળવાના સુલતાનોને રણમેદાનમાં ધૂળ ચટાવી.
૨૦૬. સંગ્રામસિંહ પ્રથમ (મહારાણા સાંગા): 'હિન્દુવા સૂરજ' તરીકે ઓળખાતા મહારાણા સાંગાનું આખું જીવન યુદ્ધભૂમિ પર જ વીત્યું. તેમના શરીર પર તલવાર, ભાલા અને તીરના ૮૦ જેટલા ઘા હતા, એક આંખ નહોતી, એક હાથ અને એક પગ કપાઈ ગયા હતા, છતાં માતૃભૂમિની રક્ષા માટે છેલ્લી ઔંસ સુધી લડવાની સિસોદિયા પરંપરાને તેમણે જીવંત રાખી.

ખંડ ૭: વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજી - સ્વાભિમાન ના અમર સૂર્ય (પેઢી ૨૧૦)

જો સૂર્યવંશ એક મુગટ છે, તો મહારાણા પ્રતાપ તે મુગટનો સૌથી તેજસ્વી કોહિનૂર છે. ૨૧૦મી પેઢીના વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજી, આ માત્ર એક નામ નથી, પરંતુ ભારતવર્ષના સ્વાતંત્ર્ય સંગ્રામનો સૌથી પ્રચંડ જ્વાળામુખી છે. જ્યારે આસપાસના તમામ મોટા રાજપૂત રાજ્યોએ મુઘલ સામ્રાજ્ય સાથે રાજકીય સમજૂતીઓ સ્વીકારી હતી , વૈવાહિક સંબંધો બાંધી લીધા હતા, ત્યારે મેવાડનો આ સિંહ અરાવલ્લીની પહાડીઓમાં ગર્જના કરી રહ્યો હતો. હલ્દીઘાટીનું યુદ્ધ માત્ર બે સેનાઓ વચ્ચેનું યુદ્ધ નહોતું; તે સામ્રાજ્યવાદ સામે સ્વાભિમાનનો જંગ હતો. પોતાના ભાઈઓ છૂટા પડી ગયા, સંસાધનો ખૂટી પડ્યા, મહેલો છોડીને જંગલોમાં રહેવાનો વારો આવ્યો, ઘાસની રોટલી ખાવી પડી, છતાં પણ આ મહાપુરુષે મુઘલ બાદશાહ સામે મસ્તક ઝુકાવ્યું નહીં. ચેતક જેવા સ્વામીભક્ત અશ્વ અને ભીલ સરદારોના સાથથી મહારાણા પ્રતાપે ધર્મ અને માતૃભૂમિની રક્ષા કાજે સર્વસ્વ હોમી દીધું. તેમનું એ વ્રત કે જ્યાં સુધી ચિત્તોડ મુક્ત નહીં થાય ત્યાં સુધી સોના-ચાંદીના વાસણોમાં જમીશ નહીં અને પલંગ પર સૂઈશ નહીં, તે આ સિસોદિયા લોહીની ખુમારી દર્શાવે છે.

ખંડ ૮: શ્રી પૂરણમલ જી થી વર્તમાન વારસો (પેઢી ૨૧૧ થી ૨૨૬)

વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપસિંહજીના આ જ્વલંત લોહીનો વારસો તેમના પુત્રો દ્વારા આગળ વધ્યો. ઐતિહાસિક પુસ્તક “પુરાવતો કા ઇતિહાસ” ના પાના નંબર ૩૬ પર સ્પષ્ટપણે અંકિત છે તેમ, મહારાણા પ્રતાપસિંહજી-પ્રથમના ૧૧મા પુત્ર હતા શ્રી પૂરણમલ જી (પૂરા જી), જેઓ આ વંશાવલીમાં ૨૧૧મા ક્રમે બિરાજમાન છે. આ જ પૂરા જી ની શાખામાંથી અમારો વંશવેલો આગળ ધપ્યો છે. આ શૌર્યની અવિરત યાત્રા નીચે મુજબ આગળ વધે છે:
૨૧૧. પૂરણમલ (પૂરા જી): વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીના ૧૧મા પુત્ર.
પુરાવત સિસોદિયા રાજપૂતોનું ઠિકાણું - મંગરોપ (મેવાડ) વીર શિરોમણિ મહારાણા પ્રતાપના પુત્ર કુંવર પૂરણમલ જીના વંશજ પુરાવત સિસોદિયાનું ઠિકાણું મંગરોપ છે. વીર શિરોમણિ મહારાણા પ્રતાપની રાણી શાહમતી / સેમતા બાઈ હાડા (બૂંદીના રાવ સુરતન / સુલ્તાન હાડાની પુત્રી)એ કુંવર પૂરણમલજીને જન્મ આપ્યો હતો. કુંવર પૂરણમલ મહારાણા પ્રતાપના ૧૧મા પુત્ર હતા. કુંવર પૂરણમલને મંગરોપ, ગુરલાં, ગાડરમાળા અને સીંગોલીની જાગીર આપવામાં આવી હતી. તેમના વંશજો પુરાવત તરીકે ઓળખાય છે અને તેમની ઉપાધિ મહારાજ (બાબા) છે.
મહારાણા અમરસિંહના શાસનકાળ દરમિયાન પૂરણમલ જી દ્વારિકા યાત્રાએ ગયા હતા. આ દરમિયાન જૂનાગઢના મુસ્લિમ સુબેદારે લુણાવાડાના સૌલંકી રાજા પર હુમલો કર્યો. રસ્તામાં આ સમાચાર જાણીને પૂરણમલ જીએ મુસ્લિમ સુબેદારને પરાજિત કરીને લુણાવાડાના રાજાની મદદ કરી. સૌલંકી રાજાએ પ્રસન્ન થઈને પૂરણમલ જીના પુત્ર સબલસિંહ જીને પોતાની પાસે રાખ્યા અને મલિકપુર, આડેર વગેરે જાગીરો આપી.
પૂરણમલ જી ઉદયપુર પહોંચ્યા ત્યારે મહારાણા અમરસિંહે તેમને મંગરોપની જાગીર આપી. પૂરણમલ જીએ મંગરોપમાં જંગલ સાફ કરાવીને ગામ વસાવ્યું. પૂરણમલ જીના જ્યેષ્ઠ પુત્ર નાથસિંહ તેમના ઉત્તરાધિકારી બન્યા. નાથસિંહને બે પુત્રો હતા: મહેશદાસ અને મોહકમસિંહ. મહેશદાસ મંગરોપના સ્વામી બન્યા. મહારાણા અમરસિંહ દ્વિતીયે મહારાજ મહેશદાસને અજમેર તરફ મુઘલ થાણા પર હુમલો કરવા મોકલ્યા. મહેશદાસે અજમેરમાં નંદરાય તરફના મુઘલ થાણા પર હુમલો કરીને વિજય પ્રાપ્ત કર્યો. કેટલાક સમય પછી મેવાડમાં કેટલાક વ્યક્તિઓએ બળવો કર્યો. મહારાણા અમરસિંહ દ્વિતીયે મહેશદાસને આ બળવો કચડી નાખવા મોકલ્યા. મહેશદાસે નઠારા અને ભોરાઈની પાલ પર ચડાઈ કરીને બાગી વ્યક્તિઓનો સંપૂર્ણ દમન કર્યો. પરંતુ દુર્ભાગ્યે ગળામાં તીર વાગવાથી મહેશદાસ વીરગતિને પ્રાપ્ત થયા. મહેશદાસના વંશજો મહેશદાસોત પુરાવત તરીકે ઓળખાય છે. મંગરોપ ઉપરાંત આરૂણનું ઠિકાણું પણ મહેશદાસોત પુરાવતોનું છે. મહેશદાસના ભાઈ મોહકમસિંહને મેવાડના મહારાણા અમરસિંહ દ્વિતીયે (શાસનકાળ: ૧૬૯૮થી ૧૭૧૦ ઈ.) અર્જણની જાગીર આપી. મોહકમસિંહના વંશજો મોહકમસિંહોત પુરાવત તરીકે ઓળખાય છે. ગુરલા, ગાડરમાળા, સિંગોલી અને સૂરાવાસ ઠિકાણાં મોહકમસિંહોત પુરાવતોનાં છે. મહેશદાસના ઉત્તરાધિકારી તેમના પુત્ર જસવંતસિંહ બન્યા.
૨૧૨. સાવંલદાસ (સબલસિંહ): જેમણે ગુજરાતના મલિકપુરમાં વસવાટ કર્યો. મેવાડથી ગુજરાત સુધીના આ સ્થળાંતરમાં પણ સિસોદિયા કુળના સંસ્કારો અકબંધ રહ્યા.
૨૧૩. લાલસિંહ:સબલસિંહજીના તૃતીય પુત્ર.
૨૧૪. કેસરસિંહ.
૨૧૫. ગુમાનસિંહ.
૨૧૬. જગરુપસિંહ.
૨૧૭. નામ અજ્ઞાત (વંશાવલી અભિલેખ લુપ્ત)
- ઇતિહાસની થપાટો અને કાળક્રમે અમુક રેકોર્ડ ભલે લુપ્ત થયા હોય, પણ લોહીની શુદ્ધતા અને સંસ્કારોની સાંકળ ક્યારેય તૂટી નથી.
૨૧૮. વધાર સિંહ
૨૧૯. પ્રતાપસિંહ દ્વિતીય
૨૨૦. દલેલસિંહ
૨૨૧. મોકમસિંહ
૨૨૨. જોરાવરસિંહ
૨૨૩. રણજીતસિંહ:
જોરાવરસિંહના ચતુર્થ પુત્ર.
૨૨૪. ચંદનસિંહ:
રણજીતસિંહના તૃતીય પુત્ર (વર્તમાન સમયના આધારસ્તંભ).
૨૨૫. મહેન્દ્રસિંહ:ચંદનસિંહના દ્વિતીય પુત્ર. ૨૨૬. ભાર્ગવસિંહ: શ્રી મહેન્દ્રસિંહના પુત્ર તરીકે હું આ વંશાવલીની ૨૨૬મી કડી છું.
નોંધ: અહીં દર્શાવેલ પેઢી-ક્રમ પરંપરાગત વંશાવલીઓ, રાજસ્થાની ખ્યાતો, પારિવારિક અભિલેખો અને ઉપલબ્ધ ઐતિહાસિક ગ્રંથોના સંકલન પર આધારિત છે.

ખંડ ૯: ધર્મ, સંસ્કૃતિ અને શૌર્યનો ત્રિવેણી સંગમ

અમારા કુળની વિશેષતા માત્ર તલવારબાજી કે યુદ્ધો પૂરતી મર્યાદિત નથી રહી. "જો દૃઢ રખવે ધર્મકો..." ના સૂત્રને સિસોદિયા રાજપૂતોએ જીવનના દરેક ક્ષેત્રમાં ચરિતાર્થ કર્યું છે. ધર્મનો અર્થ માત્ર પૂજા-પાઠ નહીં, પરંતુ સત્ય, ન્યાય, પ્રજાપાલન અને આપેલા વચન ખાતર પ્રાણનું બલિદાન આપવાની ભાવના છે.
ભગવાન શ્રીગોવર્ધનધર ના શરણમાં રહેવું એ અમારા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંસ્કારોનો આધાર છે. જ્યારે ઔરંગઝેબની કટ્ટરતાથી હિન્દુ મંદિરો તોડવામાં આવી રહ્યા હતા, ત્યારે શ્રીનાથજી મેવાડના સિસોદિયા મહારાણા રાજસિંહજી ના સમયમાં સંપૂર્ણ સુરક્ષા અને સન્માન સાથે નાથદ્વારામાં નિજેચ્છાથી પધાર્યા. શસ્ત્રથી માતૃભૂમિની રક્ષા અને હૃદયથી ભક્તિમાર્ગનું અનુસરણ - આ બેઉ બાબતો આ કુળનો સ્થાયી ભાવ રહી છે. આજે જ્યારે હું મહીસાગર કૉલેજમાં BCA નો અભ્યાસ કરું છું, આધુનિક ટેકનોલોજી અને કોમ્પ્યુટર સાયન્સ સાથે જોડાયેલો છું, ત્યારે પણ મારી ઓળખનો પાયો આ જ ઐતિહાસિક મૂલ્યો પર ટકેલો છે. આધુનિકતાના આંધળા અનુકરણ વચ્ચે પણ પોતાના મૂળિયાંને જાળવી રાખવા, એ પણ એક પ્રકારનું યુદ્ધ જ છે - સાંસ્કૃતિક યુદ્ધ.

ખંડ 10: અંતિમ વિચાર: ભવિષ્યના ગર્ભમાં અતીતનો દીવડો

ઇતિહાસ આપણને શીખવાડે છે કે સામ્રાજ્યો બને છે અને પડી ભાંગે છે, ધન-સંપત્તિનો નાશ થાય છે, પરંતુ જે ટકી રહે છે તે છે 'કીર્તિ'. સિસોદિયા વંશની કીર્તિ સમયના સીમાડાઓને પાર કરી ગઈ છે. મહારાણા પ્રતાપ જેવા પૂર્વજોએ આપણને એવી સંપત્તિ આપી છે જેને કોઈ ચોરી શકતું નથી - અને તે છે 'સ્વાભિમાન'. જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે, જ્યારે પણ ધર્મ કે ન્યાયના માર્ગ પર ચાલવામાં કષ્ટ પડે, ત્યારે આ વંશાવલીના એકેએક નામ પર નજર ફેરવી લેવી. ભગીરથનો પરિશ્રમ, હરિશ્ચંદ્રનું સત્ય, શ્રીરામની મર્યાદા, બાપા રાવલનો પ્રતાપ, સાંગાનું શૌર્ય અને મહારાણા પ્રતાપનો અડગ નિશ્ચય - આ બધું જ આપણા લોહીમાં સૂક્ષ્મ રૂપે વહી રહ્યું છે.
આ પવિત્ર ઐતિહાસિક વારસાને, આ શૌર્યગાથાને અને આ દિવ્ય વંશાવલીને જાળવી રાખવી, તેને આધુનિક યુગના પડકારો વચ્ચે પણ જીવંત રાખવી, એ જ વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજી પ્રત્યેની આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે. જ્યાં સુધી સૂર્ય આકાશમાં બિરાજમાન રહેશે, ત્યાં સુધી સૂર્યવંશની આ કીર્તિગાથા અમર રહેશે!
સમયના અનંત પ્રવાહમાં અનેક સામ્રાજ્યો ઊભાં થયા અને વિલીન થઈ ગયા, પરંતુ મેવાડનું સૂર્ય આજે પણ અસ્ત થયું નથી.
કારણ કે, સિસોદિયા વંશ માત્ર રાજવંશ નથી — તે ધર્મ, સ્વાભિમાન અને અડગ મર્યાદાનો જીવંત સંકલ્પ છે.
જ્યાં સુધી અરવલ્લીની શિલાઓ અડીખમ રહેશે, જ્યાં સુધી સૂર્ય આકાશમાં પ્રકાશિત રહેશે, ત્યાં સુધી મેવાડની આ ગૌરવગાથા અમર રહેશે.

🪔 જય શ્રી કૃષ્ણ • જય મેવાડ 🪔